આનંદોઃ ગુજરાતમાં 24 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે,બહુ મોડું નહીં થાય

અમદાવાદ- ગત વર્ષના ઓછા વરસાદપાણીથી પીડાઈ રહેલાં રાજ્ય માટે આ સાલ સારું ચોમાસુ અત્યંત જરુરી બની ગયું છે.ત્યારે હવામાનવિભાગે ગુજરાત માટે આનંદના સમાચાર આપ્યાં છે.ગત દિવસોમાં આવેલાં સીવિયર સાયક્લોન ‘વાયુ’ વાવાઝોડાથી ચોમાસું મોડું પડશે, તેવી ધારણા વ્યક્ત કરાઈ હતી. પરંતુ હવે હવામાનવિભાગની આગાહી પ્રમાણે ચોમાસાના વિધિવત પ્રારંભ માટે બહુ મોડું નહીં થાય, રાજ્યમાં 24 જૂનથી રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે, અને વરસાદનું આગમન થશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘વાયુ’ વાવાઝોડાએ 10 દિવસ સુધી ગુજરાતના પ્રશાસન અને લોકોને ઊંચા જીવે રાખ્યાં હતાં.લાખોને અસર કરતાં વાવાઝોડાંની ગંભીરતાને લઇને સરકારી તંત્રએ પણ હાઈઅલર્ટ જાહેર કરીને તમામ ટીમોને ગોઠવી દીધી હતી. પણ વાયુ વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાંથી લો પ્રેશરમાં ફેરવાયું હતું, અને વળીને કચ્છ ભૂજમાં આવ્યું ત્યારે સાવ નબળું પડી ગયું હતું, જેથી ગુજરાત માથેથી હાલ તો ઘાત ટળી ગઈ છે.

આ વાયુ વાવાઝોડાંને કારણે ગુજરાત પર વરસાદી સીસ્ટમ ડિસ્ટર્બ થશે, એવી ધારણા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરતાં હતા. પણ સત્તાવાર રીતે સમાચાર આવ્યા છે કે ગુજરાતમાં 24 જૂનથી ચોમાસું બેસી જશે અને દક્ષિણ ગુજરાતથી રાબેતા મુજબની વરસાદની એન્ટ્રી થશે.દેશમાં ચોમાસાની વાત કરીએ તો આ વર્ષે કેરળમાં પણ એક સપ્તાહ મોડું ચોમાસું બેઠું હતું. અને હવે તે ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રની સાથેસાથે બંગાળની ખાડીના વાદળોથી કોલકાત્તામાં પણ ચોમાસું બેસી ગયું છે. અને હવે આ નેઋત્યનું ચોમાસું ગુજરાતમાં 24 જૂનથી 25 જૂન સુધીમાં દસ્તક દેશે. એમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]