નૌકાદળના ત્રણ જવાન સાથે રૂ. 3 લાખની છેતરપીંડી કરાઈ; મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈ – ભારતીય નૌકાદળના બે અધિકારી અને એક જવાનના ડેબિટ કાર્ડની નકલ કરીને એમની સાથે રૂ. 3 લાખની રકમની છેતરપીંડી કરાયાની ઘટના બની છે. ક્લોન કરેલા કાર્ડનો ઉપયોગ કરીને ચીન અને બિહારમાં આ જવાનોનાં ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે.

નૌકાદળના બંને અધિકારી સાથે જ્યારે આ છેતરપીંડી કરવામાં આવી ત્યારે તેઓ દરિયામાં એમની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે એમને કોઈ SMS મળ્યો નહોતો, કારણ કે એમના મોબાઈલ ફોન પર નેટવર્ક ઉપલબ્ધ નહોતું.

આ બંને અધિકારીનું નામ છે: સબ-લેફ્ટેનન્ટ જી. સર્વેશ્વર રાવ અને સબ-લેફ્ટેનન્ટ અનુપ ચંદ્રન ચંદ્રકુમાર તથા ત્રીજા જવાનનું નામ છે નવીન કુમાર. બંને અધિકારી મુંબઈના કોલાબા વિસ્તારમાં રહે છે. એમણે પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી છે.

સર્વેશ્વર રાવે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ગયા એપ્રિલની 17 અને 21 વચ્ચે એમના ખાતામાંથી રૂ. 2.53 લાખની રકમ ગૂમ થઈ હતી. બેન્ક સ્ટેટમેન્ટમાં દર્શાવાયું હતું કે 14 વખત ગેરકાયદેસર રીતે ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા, તે કામ બિહારમાં કરાયું હોવાનું માલૂમ પડ્યું હતું.

એવી જ રીતે, નવીનકુમાર, જે નૌકાદળમાં લોડિંગની ફરજ બજાવે છે, એમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે એમની સાથે છેતરપીંડી કરીને રૂ. 22,000 ઉપાડી લેવામાં આવ્યા છે. બંને ફરિયાદોને પોલીસે એક જ FIRમાં સમાવી લીધી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ છેતરપીંડી પાછળ એક ટોળકી છે. એણે રાવના એકાઉન્ટમાં એક અન્ય વ્યક્તિના ખાતામાંથી ચોરેલા રૂ. 40 હજારની રકમ જમા કરાવી હતી અને પછી એને ઉપાડી લીધી હતી.

નૌકાદળના સબ-લેફ્ટેનન્ટ અનુપ ચંદ્રન ચંદ્રકુમારે ગઈ 12 જૂને પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગેરકાયદેસર સોદાઓ દ્વારા એમના ખાતામાંથી રૂ. 35,000 ચોરી લેવામાં આવ્યા હતા. બેન્ક સ્ટેટમેન્ટ્સમાં દર્શાવાયું હતું કે તે રકમ ચીનમાં કોઈક સ્થળેથી ઉપાડી લેવામાં આવી હતી.

કોલાબા પોલીસ સ્ટેશને ઈન્કમ ટેક્સ કાયદા હેઠળ ભારતીય ફોજદારી કાયદા (IPC)ની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]