અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદી નામ નોંધણી, સુધારાવધારા કરાવવા કે નામ કમી કરાવવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરાં કરી રહ્યા હોય તેવા યુવા મતદાર તરીકે નોંધણી કરાવી લોકસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પહેલી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથે મતદાર યાદીને આખરી કરવા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ બૂથ લેવલ ઓફિસર (BLO) દરેક ઘરની મુલાકાત લેશે. આ માટે BLO 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી જેતે વિસ્તારમાં મતદારોની વિગતો એકઠી કરશે.
આ કાર્યક્રમ હેઠળ 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં BLO દ્વારા 179 લાખથી વધુ ઘરોની મુલાકાત લઈ વિગતો એકઠી કરવામાં આવશે. મતદાર યાદીમાં નહીં નોંધાયેલા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં 6 ભરાવીને મેળવવામાં આવશે. અધિકારી મતદારોની વિગતો ચકાસીને સુધારા માટે મતદારો પાસેથી ફોર્મ નં. આઠ મેળવવામાં આવશે.
રાજ્યના 51,781 બૂથ લેવલ અધિકારીઓ અને આશરે 5000 જેટલા સુપરવાઇઝર્સ મતદાર યાદી સુધારણા અને BLO એપ્લિકેશન અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. જેથી જે નાગરિકોએ 1-10-2024 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર છે તેવા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે મૃત્યુ પામેલા તથા કાયમી સ્થળાંતર કરનારા મતદારોએ નિયમાનુસર કાર્યવાહી કરવાની રહેશે.