અમદાવાદઃ અમદાવાદને બે દિવસ પહેલાં 612 વર્ષ પૂરાં થયાં છે. અમદાવાદને ચાહનારા તો અનેક લોકો છે, પરંતુ અમદાવાદને ઓળખનારા અને ઓળખાવનારા તો ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’ જેવા ભાગ્યે જ કોઈ અભ્યાસુ મળશે. મૂળ ગોઝારિયા (ઉત્તર ગુજરાત)ના વતની અને અમદાવાદના લબ્ધપ્રતિષ્ઠ ડેન્ટિસ્ટ ડો. માણેકભાઈ પટેલ ‘સેતુ’એ તા. 26 ફેબ્રુઆરી 2023એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે ‘નોખું-અનોખું અમદાવાદ’ વિશે રસપ્રદ માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.
અમદાવાદમાં જન્મેલા અને અમદાવાદમાં વસતા અમદાવાદીઓ માટે પણ તદ્દન અજાણી અને રહસ્યમય અઢળક વાતોનો ખજાનો ખુલ્લો મૂકતાં ડો. માણેકભાઈ પટેલે અમદાવાદના વિવિધ વિસ્તારો, સ્થાપત્યો, સંસ્થાઓ, વ્યક્તિઓ, ખાણીપીણી અને ઉત્સવો સહિત માહિતી આપીને અમદાવાદને સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ઓળખાવ્યું અને બિરદાવ્યું હતું. હેરિટેજ સિટીનો દરજ્જો પામેલા અમદાવાદના લોકોની અનોખી જીવનશૈલીનાં અનેક ઉદાહરણો એમણે આપ્યાં હતાં.
અમદાવાદના પાનકોર નાકા, માણેકચોક, રતનપોળ જેવા વિસ્તારોની વાત હોય કે હઠીસિંગની વાડી, ચાંદા- સૂરજ મહેલ, કિલ્લા અને દરવાજા વિશેની વાત હોય એ દરેક વિશે ખૂબ અભ્યાસપૂર્વક મેળવેલી અને તપાસેલી માહિતી રજૂ કરી હતી. કેટલાંક સ્થળોએ રૂબરૂ જઈ, ફોટોગ્રાફ લઈને પાવર પોઇન્ટ દ્વારા પ્રેઝન્ટેશન કર્યું હતું. સતત બે કલાક સુધી નોખા-અનોખા અમદાવાદ વિશેની જાણીતી અને અજાણી વાતો સાંભળીને વિસ્મયમુગ્ધ બનેલા શ્રોતાઓએ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભે ડો. કુમારપાળ દેસાઈએ વિશ્વકોશ સંસ્થાનો અને વક્તાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારદર્શન કરતી વખતે કુમારપાળ દેસાઈએ ડો. માણેકભાઈ પટેલને અમદાવાદના વિશિષ્ટ હીરો તરીકે બિરદાવ્યા હતા.આ કાર્યક્રમમાં તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કવિ મહિપતરામ અને ભાનુભાઈ ચિતારાનું સન્માન અન્ય બે પદ્મશ્રીઓ : ડો કુમારપાળ દેસાઈ અને જોરાવરસિંહ જાદવને હસ્તે કરવામાં આવ્યું હતું.