ગાંધીનગરઃ ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો આજે વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારતના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ચાલી રહેલા આ નવરાત્રિ મહોત્સવની મજા માણવા માટે છઠ્ઠા નોરતે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને લઇને વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પહોંચ્યા હતા. હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયેલા વિદેશી રાજદ્વારીઓ પણ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા.ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ રાજદ્વારીઓએ ગુજરાતના આ વાઇબ્રન્ટ તહેવારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
છઠ્ઠા નોરતે વડોદરાના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડમાં રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ-આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દ્રશ્યો સર્જ્યાં હતાં. ગરબાના તાલે ઘૂમ્યા વિદેશી રાજદ્વારીઓ અને હાઇ કમિશનર્સે કહ્યું હતું કે નવરાત્રિ એક અદભુત તહેવાર, ભવ્ય આયોજન માટે અભિનંદન.