અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસની ગતી વધી રહી છે. અત્યારસુધીમાં 37,776 જેટલા કેસો સામે આવ્યા છે અને 1223 લોકોના મોત થયા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોના વાયરસે રીતસરનો ભરડો લીધો છે અને અહીંયા કોરોના સંક્રમિતોનો આંકડો 5000 ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જેટલા નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કેસોની દ્રષ્ટીએ દેશમાં ગુજરાત બીજા નંબર પર છે અને અમદાવાદમાં 3543 જેટલા કેસો સામે આવ્યા છે.
માત્ર અમદાવાદનો આંકડો દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કુલ કેસોથી વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અમદાવાદ કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત છે. તાજેતરના આંકડાઓ અનુસાર અમદાવાદમાં કોરોનાના કેસ બે ડઝન જેટલા રાજ્યોમાં આવેલા કુલ કોરોના કેસોથી વધારે છે.
ICMR દ્વારા અત્યારસુધીમાં કુલ 14 લાખ જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ આંકડા 30 જાન્યુઆરીથી અત્યાર સુધીના છે. કેરળમાં 30 જાન્યુઆરીના રોજ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.