રિંગ રોડ પર વરસાદી વાતાવરણમાં મકાઈની મજા…

અમદાવાદઃ ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવી ઘણાને પસંદ છે. સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ ડોડો બંનેનો સ્વાદ અદભુત હોય છે. મકાઈ આરોગ્ય માટે પણ ખૂબ લાભકારક છે. મકાઈમાં અનેક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો અને ફેટી એસિડ મળી આવે છે. જે આપણને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકે છે. મકાઈમાં વિટામિન બીનું પ્રમાણ પણ ઊંચું હોય છે. વિટામિન બી વાળ અને હાડકાં માટે ખૂબ જરૂરી છે. એ શરીરના ઊર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એનું પણ વધુ પ્રમાણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

ચોમાસું જામ્યું છે, ગરમાગરમ વાનગીઓની સાથે શહેરના તમામ વિસ્તારોના માર્ગો પર બાફેલી અને શેકેલી મકાઈની ઢગલાબંધ લારીઓ જોવા મળી રહી છે. પહેલાં શહેરના લો ગાર્ડન, વૈષ્ણોદેવી સર્કલ પાસે અમેરિકન મકાઈ અને દેશી મકાઈના ડોડા શેકેલા ને બાફેલા માણવા ભીડ જામતી. હવે શહેરના ફરતે આવેલા રિંગ રોડ પર મકાઈની અઢળક લારીઓ જોવા મળે છે.

ચોમાસાના ભીના , ઠંડા વાતાવરણમાં બાફેલી, શેકેલી ગરમ મકાઈને માણવા રસિયાઓનો જમાવડો થઈ જાય છે. મકાઈના ડોડાના આ વેપાર સાથે શહેર અને આસપાસનાં ગામોના હજારો લોકો જોડાયેલા છે. કેટલીક લારીઓ પર આખોય પરિવાર કામે લાગી જાય છે.

અમદાવાદની ઉનાળાની કાળઝાળ ગરમી પછીના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ મકાઈ માણવા લોકો લોંગ ડ્રાઇવ પર નીકળી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)