સરકાર ધોરણ 1-8ની સ્કૂલો ઓગસ્ટમાં શરૂ કરે એવી શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઇન સ્કૂલો શરૂ કરવામાં આવી છે, ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. સરકાર હવે આગામી દિવસોમાં શાળાઓમાં ધોરણ 6-8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લે એવી શક્યતા છે. ધોરણ 6થી 8 પછી ધોરણ 1થી 5 માટેના નિર્ણય પણ લેવામાં આવશે.રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ અને જો સ્થિતિ સામાન્ય રહી તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરૂ કરી દેવામાં આવશે. જોકે તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી પાંચના વર્ગો પણ શરૂ કરવામાં આવશે.

શિક્ષણપ્રધાને આપેલા સંકેત મુજબ ધોરણ 6-8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલોએ સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે.