સાઉદી અરેબિયા નાગરિકો પર ત્રણ-વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ મૂકશે

રિયાધઃ સાઉદી અરેબિયાએ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રસારને રોકવા માટે નાગરિકોને ચેતવણી આપી છે કે ‘રેડ લિસ્ટ’માં સામેલ દેશોની યાત્રા કરી તો તેમના પર ત્રણ વર્ષ માટે યાત્રા પ્રતિબંધ લગાવવામાં આવશે. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ ન દેવાની શરતે કહ્યું હતું કે કેટલાક સાઉદી નાગરિકોએ ટ્રાવેલ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમને મે મહિનામાં અધિકારીઓની મંજૂરી વિના યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. માર્ચ, 2020 પછી એવું પહેલી વાર થયું હતું. અધિકારીએ કહ્યું હતું કે જેકોઈ નિયમો તોડતાં મળશે, તેમને એ જ કાયદા હેઠળ સજા આપવામાં આવશે અને ભારે દંડ પણ ભરવો પડશે. આ સિવાય ત્રણ વર્ષ માટે યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથિયોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, લેબેનોન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને યુનાઇટેડ આરબ અમિરાતની યાત્રા અતવા ટ્રાન્સિટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગૃહ મંત્રાલયે એ વાત પર ભાર દઈને કહ્યું હતું કે એ દેશોમા સાઉદી અરેબિયાના નાગરિકોને એ દેશોમાં સીધા કે અન્ય દેશોના રસ્તે યાત્રા કરવા પર પ્રતિબંધ છે, કેમ કે એ દેશોમાં કોરોના રોગચાળા પર કાબૂ નથી મેળવ્યો અને કોરોનાના નવો સ્ટ્રેન પ્રસરી રહ્યો છે. જેથી યાત્રા પર પ્રતિબંધ છે.

સાઉદી અરેબિયા ખાડી દેશોમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે અને એની વસતિ આશરે ત્રણ કરોડ છે. સાઉદી અરેબિયામાં કોરોનાના 1379 નવા કેસો નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 5,20,774 કેસો નોંધાયા છે અને કુલ 8189 મોત થયાં છે.