કોરોનાકાળમાં ગૂગલ સર્ચ, યૂટ્યૂબને રેકોર્ડ આવક થઈ

સેન ફ્રાન્સિસ્કોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે તેના જૂન-ક્વાર્ટરમાં 61.88 અબજ ડોલરની વિક્રમસર્જક આવક નોંધાવી છે.

ગૂગલ સર્ચને જાહેરખબરમાંથી 35.8 અબજ ડોલર (68 ટકા)ની વિક્રમસર્જક આવક થઈ છે જ્યારે યૂટ્યૂબને 7 અબજ ડોલરની કમાણી થઈ છે, જે ગયા વર્ષે આ જ, જૂન ક્વાર્ટરની 3.8 અબજ ડોલરની આવક કરતાં બમણા જેટલી છે. ગૂગલ ક્લાઉડની આવક 4.63 અબજ ડોલર થઈ છે જે એ વર્ષ પહેલાં 3.01 અબજ ડોલર હતી. ગૂગલ અને આલ્ફાબેટના સીએફઓ રુથ પોરાટે કહ્યું કે જૂન ક્વાર્ટરમાં થયેલી તોતિંગ આવક દર્શાવે છે કે ગ્રાહક ઓનલાઈન એક્ટિવિટી ખૂબ વધી છે અને જાહેરખબર પાછળનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે.