અમદાવાદઃ સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે સરકારે લોકો માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 12 માર્ચ, 2021થી શરૂ કરવામાં આવ્યો છે અને એ 75 સપ્તાહ સુધી ચાલશે. ગુજરાત સાયન્સ સિટીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તારીખ 6-7 ઓગસ્ટે સાંજે BSF બ્રાસ બેન્ડ અને ઓર્કેસ્ટ્રા સાથે સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ઉત્સાહથી જોડાયા હતા. આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ અને ઇન્સ્પેકટર જનરલ ફ્રન્ટિયર હેડક્વાર્ટર-BSF પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાયન્સ સિટીમાં 2 ઓગસ્ટ, 2022થી 15 ઓગસ્ટ, 2022 સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે રાષ્ટ્રધ્વજનું માન જાળવવા માટેના લોકજાગૃતિના કાર્યક્રમો સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત રાષ્ટ્રધ્વજને કેવી રીતે બાંધવો અને ધ્વજવંદન કેવી રીતે કરવું એની તાલીમ પણ આપવામાં આવશે. રાષ્ટ્રધ્વજ સાથે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત બાળકોમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે રાષ્ટ્રધ્વજ વિષય ઉપર ચિત્ર-સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 13 ઓગસ્ટ, 2022થી 15 ઓગસ્ટ, 2022માં દેશનાં દરેક ઘર ઉપર તિરંગો લગાવવામાં આવશે. તેની પાછળનો ઉદ્દેશ લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને રાષ્ટ્રધ્વજ અંગે લોકોમાં જાગરુકતા આવે એ છે.
BSF દ્વારા રજૂ કરવામાં આવેલી સંગીતસંધ્યાની એક ઝલક જોવા નીચેનો વિડિયો જુઓ…