પેટલાદમાં લાયબ્રેરીના 150મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી

પેટલાદઃ શહેરમાં પરીખ ચંદુલાલ કેશવલાલ સાર્વજનિક પુસ્તકાલયના 150મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પુસ્તકાલયના 150મા સ્થાપના દિન નિમિત્તે બે દિવસીય વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કાર્યક્રમોનો શુભારંભ અમેરિકાનિવાસી સમાજસેવી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસરવાકર)ના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યાર બાદ રાજકીય સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને ચંડીપાઠ-સરસ્વતી વંદના કરવામાં આવી હતી.ત્યાર બાદ તેમના દ્વારા (જેસરવાકર) રાષ્ટ્રપ્રેમની પ્રસાદીસમા 192 દેશોના રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખતાં આ પ્રદર્શનનો લાભ વાચકો, નગરજનો અને વિદ્યાર્થીઓએ લીધો હતો. તેમણે સંસ્થાની પ્રગતિ અને વિકાસ માટે સહયોગ આપી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નગરશ્રેષ્ઠીઓ, સંસ્થાપ્રેમી સદગૃહસ્થો, વાચકો તથા સંસ્થાના મોવડીમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લાયબ્રેરીના 150મા સ્થાપના દિનની શાનદાર ઉજવણી વખતે તેમણે અનેક સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી સંચાલકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ગ્રંથાલય નિયામક પરિવાર, જિલ્લાની પુસ્તકાલયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કાર્યવાહકોએ લાયબ્રેરીને અભિનંદન પાઠવ્યા હતા. આ સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યોએ વર્ષમાં થયેલી પ્રવૃત્તિઓ માટેના સંયોજક, લાયબ્રેરીના કર્મચારીઓ અને દાતાઓનો આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે ચીમનભાઈ પટેલ, જનકભાઈ શાહ, અરુણભાઇ દેસાઈ, હર્ષદભાઇ સુથાર, કિરીટભાઇ કા. પટેલ, ઉમંગ પટેલ, કેતન ગાંધી , બિનદેશ શાસ્ત્રી, કિરીટ પટેલ, નવીન શર્મા અને ગ્રંથપાલ ઉપસ્થિત રહ્યા હતા.