ભાજપના MLAનો ગૃહપ્રધાનને પત્રઃ CP પર નાણાં વસૂલવાનો આરોપ

રાજકોટઃ રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. તેમણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે  એક અરજદાર પાસેથી રૂ. 75 લાખ પણ વસૂલવામાં આવ્યા છે અને હજી રૂ. 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણા ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેમણે એક ફરિયાદીની FIR ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખવાનો અને જે નાણાંની ઉઘરાણી આવે તેમાંથી 15 ટકા હિસ્‍સો માગ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ રકમ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રૂ. 75 લાખ જેવી ઉઘરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું હતું કે રૂ. 15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખિયાએ કર્યો હતો. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માગ્યો હતો.

રાજકોટના સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ પત્ર લખી પોલીસ કમિશનર પર આક્ષેપો કર્યા છે એ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાવવામાં આવશે. હથિયારના લાઇસન્સમાં રૂ. 5-5 લાખ લેવામાં આવી રહ્યા છે એ વિશે મને ખબર નથી.