લતા મંગેશકરને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં: હાલત નાજુક

મુંબઈઃ દેશનાં કોકિલકંઠી લતા મંગેશકર છેલ્લા 27 દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યાના કેટલાક દિવસો પછી તેમની તબિયત ફરીથી બગડી છે. તેમની હાલત નાજુક છે. તેઓ વેન્ટિલેટર પર છે તેઓ હજી પણ ICUમાં છે અને ડોક્ટરોની નિગરાનીમાં રહેશે, એમ હોસ્પિટલના ડો. પ્રતીત સમદાનીએ કહ્યું હતું.

ગયા સપ્તાહે તેમની સારવાર કરનારા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતાં, પણ તેઓ હજી પણ ICUમાં છે અને સતત ડોક્ટરોની નિગરાનીમાં છે. 92 વર્ષીય ગાયિકાને કોરોના સંક્રમિત થયા પછી આઠ જાન્યુઆરીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડો. પ્રતીતે કહ્યું હતું કે તેમની હાલત હજી ક્રિટિકલ છે.

ભારતીય ફિલ્મજગતના સૌથી મહાન પાર્શ્વ ગાયકોમાંના એક લતાએ 1942માં 13 વર્ષની ઉંમરે કેરિયર શરૂ કરી હતી. તેમણે વિવિધ ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયાં છે. તેમણે સાત દાયકાની કેરિયરમાં અનેક યાદગાર ગીતો ગાયાં છે. હાલ, રાજ ઠાકરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લતા દીદીના હાલ લેવા પહોંચ્યા છે.

ભારતની મેલડી ક્વીનના રૂપે જાણીતાં લતા દીદીને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને અનેક નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

આવો આપણે બધા તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ.