પંજાબ કોંગ્રેસમાં યાદવાસ્થળીઃ સિદ્ધુનો ચન્ની પર તીખો હુમલો

ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર યાદવાસ્થળી ચરમસીમાએ છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસથી પંજાબના મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં અસમંજસ છે. હવે છઠ્ઠી ફેબ્રુઆરીએ લુધિયાણામાં થનારી કોંગ્રેસની સભામા CM ઉમેદવારનું નામ જાહેર થવાની વકી છે. આ પહેલાં રેતી ખનન મામલે CM ચન્નીના ભત્રીજાની ધરપકડ કર્યા પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ચન્ની પર સીધો હુમલો કર્યો હતો. બીજી બાજુ, સંસદસભ્ય મનીષ તિવારીએ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરવામાં આવ્યા પછી તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર ટોણો માર્યો છે.

નવજોત સિંહ સિદ્ધુએ  CMપદ માટે કહ્યું હતું કે કોઈ પણ મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને કમસે કમ 60 વિધાનસભ્યોનો ટેકો હોવો જરૂરી છે. અમને એક ઇમાનદાર ઉમેદવારની જરૂર છે. એક માફિયા વ્યક્તિ તમારા કાર્યક્રમોને લાગુ નથી કરી શકતો. જે વ્યક્તિ સ્વયં માફિયાને બચાવે છે, એ માફિયા પર સકંજો કેવી રીતે કસી શકે? એમ તેમણે સવાલ કર્યો હતો.

કોઈ પણ મુખ્ય પ્રધાનની પસંદ માટે નૈતિક અધિકાર અને 17 વર્ષનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ, પણ તમે કેટલા લોકોને જુઓ છો, જે સેલિબ્રિટી છે અને છ ચૂંટણી જીત્યા છે. માત્ર લોકો મુખ્ય પ્રધાનને પસંદ કરી શકે છે. લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે. મેં કંઈ દુનિયાનો ઠેકો નથી લીધો, પણ નવજોત સિંહ સિદ્ધુ ચવન્ની નથી, એમ તેમણે કહ્યું હતું.

બીજી બાજુ, કોંગ્રેસે પંજાબ માટે 30 સ્ટાર પ્રચારકોની એક યાદી કરી છે, જેમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિત કેટલાય નેતાઓનાં નામ સામેલ છે, પણ તેમાં પંજાબના સંસદસભ્ય મનીષ તિવારી અને ગુલામ નબી આઝાદનાં નામ નથી.