ભરુચ જિલ્લો પશ્ચિમ પ્રદેશના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિકટ એવોર્ડ જાહેર

ગાંધીનગર– ગુજરાતના ભરૂચ જિલ્લાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં ર૦૧૮ના વર્ષમાં પશ્ચિમ ક્ષેત્રોના રાજ્યોમાં શ્રેષ્ઠ જિલ્લો-બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિકટનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના હેતુ સાથે આ યોજના દેશવ્યાપી શરૂ કરાવી છે.

આ યોજના તહેત ગર્ભાવસ્થાથી લઇને પ્રસૂતિ સુધીના સમય દરમ્યાન વિવિધ તબક્કે કુલ રૂ. ૫૦૦૦ની સહાય સીધી જ લાભાર્થીને આપવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલીકરણની ભરૂચ જિલ્લાની ટીમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. ભરૂચ જિલ્લામાં ર૦૧૭-૧૮ના વર્ષમાં ૧૨૬૬૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે રૂ. ૩ કરોડ ૫૫ લાખનો લાભ આપવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ૩ લાખ ૨૩ હજાર ૧૬પ લાભાર્થીઓ આ માતૃવંદના યોજનામાં જાન્યુઆરી-ર૦૧૭થી અત્યાર સુધીમાં આવરી લઇને કુલ રૂ. ૭૮ કરોડ ર૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં રાજ્યોમાં માતૃવંદના સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણની સિદ્ધિઓની સમીક્ષામાં ગુજરાતના ભરૂચ જિલ્લાને આ શ્રેષ્ઠતા પ્રાપ્ત થઇ છે. દહેરાદૂનમાં આ સપ્તાહના રાષ્ટ્રીય કક્ષાના સમાપન અવસરે ભરૂચ જિલ્લાને આ એવોર્ડ એનાયત થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]