અમદાવાદઃ રાજ્યમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીનું એલાન કરી દીધું છે. રાજ્યની 182 સીટો પર પાંચ કરોડ મતદાતાઓ મત આપીને નવી સરકાર રચશે. કુલ 4.6 લાખ મતદાતાઓ પહેલી વાર મતાધિકારનો ઉપયોગ કરશે.
રસપ્રદ મુકાબલો
છેલ્લા ત્રણ દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થાય છે. આ સમયમાં અન્ય પક્ષોએ પ્રયાસ કર્યા હતા, પણ મતદારોએ તેમને જાકારો જ આપ્યો છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણીમાં ઝુકાવ્યું છે અને મુકાબલો ત્રિપાંખિયો કરવાના પ્રયાસમાં છે. વળી, ભાજપના આક્રમક ચૂંટણીપ્રચારની સામે આપ પાર્ટી પણ સીધી ટક્કર આપી રહી છે. કેજરીવાલ અત્યાર સુધી રાજ્યની અનેક મુલાકાત લઈને મતદારોને આકર્ષવાના અનેક ચૂંટણી દાવ રમી ચૂક્યા છે.
ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી બહુ મહત્ત્વની છે. ગુજરાતની જીત ભાજપ માટે 2024ની લોકસભાની ચૂંટણીની જીતની ગેરન્ટી છે, કેમ કે ગુજરાત એ વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ભાજપે 160થી વધુ સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ગૃહપ્રધાન અમિત શાહે ટિકિટ વહેંચણીની જવાબદારી સંભાળી છે. તેમણે ગાંધીનગરમાં અડિંગો જમાવ્યો છે. ભાજપને અત્યાર સુધી 4340 લોકોનાં નામ મળ્યાં છે.
આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 120માંથી 27 ઉમેદવાર જીત્યા હતા, જેથી પાર્ટીમાં ઉત્સાહ છે. પાર્ટી અન્ય જગ્યાએ પણ ચૂંટણી લડી હતી, પણ એને માત્ર ગાંધીનગરમાં એક સીટ મળી હતી, પણ રાજ્યમાં તેની મતબેન્કમાં ધીમો વધારો થયો હતો.