‘આપ’ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના સંયોજક ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. દિલ્હી પોલીસ તેમને સરિતા વિહાર સ્ટેશનમાં લઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા પંચે એક વાઇરલ વિડિયો પર માહિતી લેતાં ગોપાલ ઇટાલિયાને સમન જારી કરીને તપાસ માટે બોલાવ્યા હતા. અહીંથી દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી છે.

આ પહેલાં વડા પ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ઇટાલિયાનો વિડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ ભાજપ સતત આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહી છે.

ભાજપે હાલમાં ગોપાલ ઇટાલિયાનો એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે હું માતાઓ અને બહેનોને અપીલ કરું છું કે કથાઓ અને મંદિરોમાં તમને કંઈ નહીં મળે. આ શોષણનાં ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈએ, આ દેશ પર તમારે રાજ કરવું હોય, સમાન હક જોઈતો હોય તો –કથાઓમાં નાચવાને બદલે મારી માતાઓ, બહેનો -આ વાંચો (તેમના હાથમાં એક પુસ્તક તરફ ઇશારો કરતાં).

આ પહેલાં આપ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વડા પ્રધાન પર અભદ્ર ટિપ્પણી કહેવાનો એક વિડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે મોદીની ગુજરાત મુલાકાતને નૌટંકી બતાવી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલાં કોઈ વડા પ્રધાને આવી કોઈ નૌટંકી કરી છે?

બીજી બાજુ, આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે ભાજપ ગોપાલ ઇટાલિયાની પાછળ કેમ પડી ગયો છે?  આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો કાઢીને ભાજપ સરકાર દબાવવાના પ્રયાસ કરી રહી છે. વડા પ્રધાન અંગે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.