અમદાવાદઃ શહેરને આજે નવાં મેયર મળ્યાં છે. AMCનાં મેયર પ્રતિભા જૈન બન્યાં છે તો ડેપ્યુટી મેયરપદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે દેવાંગ દાણીની નિમણૂક થઈ છે, જ્યારે VMCના આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ડો. શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા તરીકે મનોજ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યની સૌથી મોટી અને રૂ. 9500 કરોડનું બજેટ ધરાવતી AMCના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. મેયર કિરીટ પરમારે મેયર તરીકે પ્રતિભા જૈનના નામની ભલામણ કરી હતી. ભાજપનાં મેયર પ્રતિભા જૈનને સૌથી વધુ મત મળતાં તેમની વરણી કરવામાં આવી હતી. મેયર કિરીટ પરમારે નવાં મહિલા મેયર પ્રતિભા જૈનને ચાર્જ સોંપ્યો હતો. મેયર પ્રતિભા જૈને ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલના નામ મૂક્યા હતા. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલને વધુ મત મળતાં તેમને ડેપ્યુટી મેયર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મેયર માટે પદમાબહેન અને ડેપ્યુટી મેયર માટે હાજી મિર્ઝા બેગનું નામ મૂકવામાં આવ્યું હતું. જોકે દરખાસ્તને વધુ મત ન મળતાં ફગાવી દેવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન pic.twitter.com/6ApZ06rTzy
— BJP GUJARAT (@gujaratbjp148) September 11, 2023
અમદાવાદનાં નવાં મેયર પ્રતિભા જૈન
અમદાવાદનાં નવાં મેયર પ્રતિભા જૈન શાહીબાગના કોર્પોરેટર છે. તેઓ રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે. તેઓ શાહીબાગમાં કોર્પોરેટર તરીકે ત્રીજી મુદતમાં ચૂંટાઈ આવ્યાં છે. તેઓ વર્ષ 2010માં સૌપ્રથમ ચૂંટણી લડ્યાં હતાં. તેમણે વર્ષ 2013માં શહેરના મંત્રી તરીકે પણ સંગઠનમાં કામગીરી કરી છે મહિલા અને બાળ વિકાસના ડેપ્યુટી ચેરમેનપદે તરીકે તેઓ રહી ચૂક્યાં છે. AMCના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓ મેયરપદે રહી ચૂક્યાં છે. જેમાં 1995માં ભાવનાબહેન દવે, 1999માં માલિનીબહેન ભરતગિરિ, 2003 અનીષાબહેન મિરજા અને 2013માં મીનાક્ષીબહેન પટેલ અને 2018માં બિજલ પટેલ મેયરપદ પર રહી ચૂક્યાં છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન pic.twitter.com/hZd5tMADus
— BJP GUJARAT (@gujaratbjp148) September 11, 2023
વડોદરામાં ચોથા મેયર પિન્કીબહેન સોની બન્યાં
શહેરના નવાં મેયર પિન્કી સોની બન્યાં છે.ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે તેમ જ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી બન્યાં છે. તો શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાને 61 મેયર મળ્યા છે. જ્યારે પિન્કી સોની શહેરના ચોથા મહિલા મેયર બન્યાં છે.
વડોદરામાં નવ સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત પૂરી થઈ હતી.
ભાજપમાં સૌપ્રથમ વાર સેન્સ પ્રક્રિયા
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે. જેથી પાંચેય પદાધિકારીઓ નવા જ મૂકવામાં આવશે. એક પણ પદાધિકારી ફરીથી રિપીટ થશે નહીં.