રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ રાજ્યની મુલાકાતેઃ ઈ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  12-13 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત છે. તેઓ આવતી કાલે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે.  આ ઉપરાંત તેઓ વિધાનસભાને સંબોધિત પણ કરશે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. આ સિવાય રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.

રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતી કાલથી શરૂ થવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે હોવાથી મુખ્ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આજે નાગરિકો, પ્રજા વર્ગો,સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી હવે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી ટેકનોલોજી આધારિત કામગીરીમાં જોડાશે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજિટલી ત્વરિત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.