દિવ્યાંગ પારિતોષિક માટે ૩૦ નવેમ્બર પહેલાં અરજી કરી શકાશે

અમદાવાદઃ જિલ્લાની મદદનીશ નિયામક રોજગાર કચેરીના રોજગાર અધિકારી જણાવે છે કે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૩ની નીચે દર્શાવેલી કેટેગરીમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મગાવવામાં આવે છે, જેમાં

  • શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ- સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ.
  • દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
  • દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો રોજગારની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદથી વિનામૂલ્યે મેળવી શકાશે.

આ અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લાં ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા પડશે. આ પારિતોષિક માટે નોકરીદાતા તેમ જ પ્લેસમેન્ટ ઓફિસરોએ પણ ફોર્મમાં દર્શાવેલી કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી તેમ જ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે.

આ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે મોડામાં મોડા ૩૦ નવેમ્બર સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય એ રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

અધૂરી વિગતવાળી કે નિયત સમયમર્યાદા બાદની આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક નં.-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદનો સંપર્ક સાધવા નાગરિકોને વિનંતી છે.