ઈરફાન પઠાણે અફઘાનિસ્તાનના વર્લ્ડ કપ ક્રિકેટરોને આપી પાર્ટી

મુંબઈઃ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં અફઘાનિસ્તાનની ટીમે પ્રભાવક કામગીરી બતાવી છે. પોઈન્ટ્સ ટેબલમાં તેણે 7 મેચમાં 8 પોઈન્ટ મેળવીને 6ઠ્ઠા સ્થાને છે. આજે ઓસ્ટ્રેલિયા સામે પોતાની લીગ મેચમાં પણ તેણે પ્રશંસનીય બેટિંગ દેખાવ કર્યો છે અને 50 ઓવરમાં પાંચ વિકેટે 291 રનનો સ્કોર નોંધાવ્યો છે. ઓપનર ઈબ્રાહિમ ઝદરાન 129 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 143 બોલનો સામનો કર્યો હતો જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

આ અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી ચેનલ પર એક્સપર્ટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પોતાના નિવાસસ્થાને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, ગાયક અદનાન સામી અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ હાજરી આપી હતી. અદનાન સામીએ ટ્વિટર પર આ પાર્ટીની તસવીરો શેર કરી છે. એણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઈરફાન પઠાણના ઘેર અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ સાથે સુંદર સંધ્યાકાળ. હાસ્ય, પ્રેમ, કબાબ અને કાબુલી પુલાવ.’

ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે સારી મિત્રતા છે. આ પાર્ટીમાં ઈરફાનનો ભાઈ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસૂફ પઠાણ પણ ઉપસ્થિત હતો.