અમદાવાદઃ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં હત્યા કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી સામે આ હત્યાકાંડમાં સામેલ હોવાના આરોપ થયા હતા. હવે આ કેસમાં હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે આ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. અમિત જેઠવાને હાઈકોર્ટની સામે જ ગોળી મારવામાં આવી હતી અને એ સમયે સૌથી ચર્ચાસ્પદ કેસ હતો.
આ સાથે આ કેસમાં અન્ય આરોપીઓમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) અને સંજય ચૌહાણ સામેલ હતા. એ સમયે દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પણ હાલમાં તેઓ જામીન પર બહાર હતા.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એવો મત રજૂ થયો હતો કે તપાસ એજન્સીઓ અને પ્રોસિક્યુશન સત્યની શોધ કરી શકી નથી.
કેસ શો હતો?
હાઈકોર્ટ સામે 20 જુલાઈ 2010એ લગભગ સાડાઆઠ વાગ્યે અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે આવ્યા હતા કે ભાજપના નેતા દિનુ બોઘાથી તેમના જીવનું જોખમ છે. આ હત્યા બાદ અમિત જેઠવાના પિતા ભિખાભાઈ જેઠવાએ ગીર-સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલો એટલો વિવાદાસ્પદ હતો કે તેમાં તપાસ કરવા SITની રચના થઈ હતી અને સુરેન્દ્રનગરના તત્કાલીન SPને તપાસની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ ભીખાભાઇ જેઠવાએ આ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરી. કોર્ટે તેને માન્ય રાખી હતી અને 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.