કોરોના-કેસ વધતાં ત્રણ-લાખ લોકોને રસી આપવાનું લક્ષ્ય

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. જેથી રાજ્યમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે દૈનિક ધોરણે રસીકરણ ત્રણ લાખ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં દૈનિક રસીકરણ 2.25 લાખથી વધારીને ત્રણ લાખ કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1961 કેસો નોંધાયા છે. સૌથી વધુ નવા કેસોની સાથે આજે રાજ્યમાં કોરોનાને કારણે સાત દર્દીઓનાં પણ મોત થયાં છે. રાજ્યમાં  અત્યાર સુધી કોરોનાને લીધે થયેલા મોતનો આંકડો 4473એ પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કોરોનાના કેસોમાં સુરત અને અમદાવાદમાં કુલ કેસોના 60 ટકા કેસો નોંધાયા હતા. સુરતમાં 628 નવા કેસ અને અમદાવાદમાં 558 નવા કેસો નોંધાયા છે. ગઈ કાલે 1.90 લાખ કરતાં વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી 44.84 લાખ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. વળી, રાજ્યના સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન યોદ્ધાઓ ગણીને તેમને કોવિડ-19ની રસી પહેલાં આપવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં થઈ રહેલા સતત વધારાને લીધે સક્રિય કેસોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. સરકારી આંકાડા અનુસાર, હાલ રાજ્યમાં કુલ 9372 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 81ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 9291 સ્ટેબલ છે. અત્યારસુધી કુલ 2,80,285 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કુલ 4473 દર્દીનાં મોત થયાં છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]