રૂ.3700-કરોડ બેન્ક-કૌભાંડમાં CBIના 100થી વધુ સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને)એ રૂ. 3700 કરોડનાં વિવિધ બેન્ક કૌભાંડો સંદર્ભે દેશમાં 100 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં તપાસ એજન્સીએ 11 રાજ્યોમાં 30થી વધુ કેસ નોંધ્યા છે. દેશમાં જુદી-જુદી રાષ્ટ્રીયકૃત બેન્કો તરફથી ફરિયાદો મળ્યા પછી એજન્સીએ કૌભાંડ કરનારાઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

આ ફરિયાદ નોંધાવનારી બેન્કોને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, આઇબીઆઇ, કેનેરા બેન્ક ઇન્ડિયન બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

તપાસ એજન્સી દ્વારા કાનપુર દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોઇડા, ગુરુગ્રામ, ચેન્નઈ, થિરુવરૂર, વેલોર, તિરુપુર, ગુંટુર, બેન્ગલુરુ, હૈદરાબાદ, બેલારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમી ગોદાવરી, સુરત મુંબઈ, રાજકોટ, જયપુર અમદાવાદ, ભોપાલ અને નિમાડી સહિત વિવિધ શહેરો અને નગરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઇને વિવિધ બેન્કોથી છેતરપિંડી, નાણાંની આપ-લે, અન્ય સામગ્રી અને ડિજિટલ પુરાવા સહિત અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા.

સીબીઆઇને વિવિધ બેન્કો તરફથી અનેક ફરિયાદો મળી રહી છે, જેમનો આરોપ છે કે છેતરપિંડી, ફંડની હેરફેર, વિવિધ નાદાર કંપનીઓએ નકલી દસ્તાવેજ દ્વારા લોન અને ક્રેડિટની સુવિધા પ્રાપ્ત કરવી એ વગેરે સામેલ છે. બેન્કોનો આક્ષેપ છે કે આવી કંપનીઓએ લોન લઈને ડિફોલ્ટ જાહેર થતાં એમની લોનો નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બની જતાં જાહેર ક્ષેત્રની બેન્કોને ભારે નુકસાન થયું છે. સીબીઆઇ દ્વારા આ કેસો નોંધવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]