કર્ણાટકમાં જીતથી કોંગ્રેસમાં ગુજરાત સુધી ખુશી

અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની અસર ગુજરાત સુધી જોવાન મળી છે. ચાર મહિના પહેલાં ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરનારી ગુજરાત કોંગ્રેસને દક્ષિણથી સંજીવની મળી છે. કર્ણાટકમાં મતોની ગણતરી વચ્ચે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એક વધુ ટ્વીટ કર્યું હતું, એમાં લખ્યું હતું કે જય સિયારામ બજરંગ બલી. તેમણે એક વિડિયો પણ શેર કર્યો હતો.  એમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ફોટો હતા.

કોંગ્રેસનો કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતીથી વિજય થતાં તેની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી છે. જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ‘અમે બોલ્યા હતા એ કરી બતાવ્યું’. આ ઉપરાંત તેમના સહિતના આગેવાનોએ એકબીજાને મોં મીઠું કરાવ્યું અને તેઓ ઢોલ-નગારાંના તાલે ઝૂમ્યા હતા. જયારે રાજકોટ શહેરના બાલાજી મંદિરમાં પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. એમાં હનુમાનજીના પહેરવેશમાં આવેલા કોંગી કાર્યકરે કહ્યું હતું કે મારા નામે મત માગનારાઓને પરચો આપ્યો છે. મારા આશીર્વાદ કોંગ્રેસની સાથે છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી કરી હતી. ઢોલ-નગારાં સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કાર્યકરો સાથે ગરબા રમી નાચ્યા હતા. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠાં કરાવ્યાં હતાં.