રાકેશ રોશનને જત જણાવવાનું ‘કે’ 

રાકેશ રોશનને અભિનેતા બનવું હતું પણ પહેલાં નિર્દેશનનો અનુભવ મેળવ્યો હતો. જોકે રાકેશ અભિનેતા પછી નિર્માતા અને નિર્દેશક બનીને રહ્યા હતા. અભિનેતા કરતાં નિર્દેશક તરીકે એમને સારી સફળતા મળી હતી. રાકેશને બાળપણથી જ હીરો બનવાનો શોખ હતો જ્યારે ભાઈ રાજેશને પિતાની જેમ સંગીતમાં રસ હતો એટલે એ સંગીત શીખતા રહ્યા. આથી રાકેશને લાભ એ થયો કે પોતાની ફિલ્મો બનાવી ત્યારે બીજા સંગીતકારને શોધવાની જરૂર ના રહી.

રાકેશ ફિલ્મોમાં જોડાઈ રહ્યા હતા ત્યારે એમની પાસે બે વિકલ્પ હતા. એક પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જોડાવાનો અને બીજો કોઈ નિર્દેશકના સહાયક બનવાનો. એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. કેમકે એમ કરવાથી અનુભવ સારો મળે એમ હતો. સંગીતકાર પિતા રોશનનું અવસાન થયા પછી નિર્દેશક એચ.એસ. રવૈલ સાથે સહાયક નિર્દેશક તરીકે જોડાઈ ગયા હતા. એમની સાથે દિલીપકુમાર- વૈજયંતિમાલા અભિનીત ‘સંઘર્ષ’ (૧૯૬૮) માં કામ કર્યું. એ પછી નિર્દેશક મોહનકુમારના સહાયક બન્યા અને એમની સાથે ‘અંજાના’ (૧૯૬૯) અને ‘આપ આયે બહાર આઈ’ (૧૯૭૧) માં કામ કર્યું. એ બંનેમાં હીરો રાજેન્દ્રકુમાર હતા. રાકેશને રાજેન્દ્રકુમારની ભલામણથી જ અભિનેતા તરીકે તક મળી હતી. નિર્માતા નાગી રેડ્ડી નિર્દેશક ટી. પ્રકાશ રાવ સાથે ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’ (૧૯૭૦) બનાવી રહ્યા હતા. ટી. પ્રકાશ રાવ સાથે રાજેન્દ્રકુમારને મિત્રતા હતી. એમણે રાજેન્દ્રકુમારને કહ્યું કે નવી ફિલ્મ માટે એક છોકરાની શોધ કરી રહ્યા છે.

રાકેશ રાજેન્દ્રકુમારની હીરો તરીકેની ફિલ્મમાં સહાયક નિર્દેશક હતા. એટલે એમનું નામ આપ્યું. રાકેશ સાથે મુલાકાત કરીને ટી. પ્રકાશ રાવ પ્રભાવિત થયા અને એમને ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’ માં લઈ લીધા. રાકેશ અભિનેતા બન્યા પછી નિર્દેશક બનતા પહેલાં નિર્માતા બન્યા. કેમકે કોઈ નિર્દેશન કરવા કહેવાનું ન હતું. ચાર ફિલ્મોના નિર્માણ પછી નિર્દેશન શરૂ કર્યું હતું. નિર્માતા બન્યા પછી પહેલી ફિલ્મ ‘આપ કે દિવાને’ અને બીજી ‘કામચોર’ બનાવી. ત્રીજી ફિલ્મ ‘જાગ ઊઠા ઇન્સાન’ માં વ્યસ્ત હતા ત્યારે એક ચાહકે પત્ર લખીને જણાવ્યું કે એમણે અંગ્રેજીના ‘કે’ અક્ષરથી ફિલ્મનું નામ રાખવું જોઈએ.

એણે લખ્યું હતું કે તમારી ‘કે’ અક્ષરથી શરૂ થતી ખૂબસૂરત, ખેલ ખેલ મેં, ખઠ્ઠામીઠા, કામચોર અને ‘ખાનદાન’ સફળ રહી હોવાથી ‘કે’ નામવાળી જ ફિલ્મ કરવી જોઈએ. પણ રાકેશે એની સલાહ પર ધ્યાન આપ્યું નહીં અને ફિલ્મ પૂરી કરી રજૂ કરી દીધી. પરંતુ ‘જાગ ઊઠા ઇન્સાન’ પછી ‘ભગવાનદાદા’ પણ વ્યવસાયિક રીતે સફળ ના રહી. જ્યારે નિર્દેશક તરીકે ‘ખુદગર્ઝ’ (૧૯૮૭) સફળ રહી ત્યારે રાકેશને એ ચાહકે પત્ર લખી જણાવ્યું કે એની સલાહ માનીને ‘કે’ થી શરૂ થતી ફિલ્મ બનાવી એ ચાલી ગઈ. અને એમણે ખરેખર એ ચાહકે જણાવેલી સલાહ મુજબ ફિલ્મોના નામ ‘કે’ થી શરૂ થાય એવા રાખ્યા. એ ફિલ્મો ખૂન ભરી માંગ, કાલા બાઝાર, કિશન કન્હૈયા, કરન અર્જુન, કહો ના પ્યાર હૈ, કોઈ મિલ ગયા વગેરેની સફળતાને કારણે ઘણા એમને અંધશ્રધ્ધાળુ કહેતા રહ્યા પણ એમનો ‘કે’ માં સફળતાનો વિશ્વાસ બની રહ્યો.