અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓનો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ

જૂનાગઢઃ વાત છે જૂનાગઢથી ૧૭ કિલોમીટર દૂર આવેલા અને બીલખા ગામથી તદ્દન નજીક આવેલ નવાગામ પ્રાથમિક શાળાની. અહીં આ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ૮ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે  છે.તેઓ અહીં ખાનગી શાળામાં અભ્યાસ છોડી ભણવા માટે આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને આ સરકારી પ્રાથમિક શાળામાં ભણવા પ્રવેશ મેળવ્યો છે.

આ શાળા કોમ્પ્યુટર, ગણિત -વિજ્ઞાન લેબ, સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર જેવી ભૌતિક સુવિધાઓથી શાળા સજ્જ તો છે. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં ‘શિક્ષણ’ના નવા રંગ પૂરે છે. એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પાઠશાળા પણ છે.

છેલ્લાં આઠેક વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અલ્તાફઅલી  વિરાણી જણાવે છે કે  આ શાળા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ પૈકીની એક છે અને સ્કૂલ ઓફ એક્સેલન્સ અને PM શાળા તરીકે પસંદગી પામ્યા બાદ માળખાકીય સુવિધામાં ખૂબ મોટો વધારો થયો છે. નવું બિલ્ડિંગ, કોમ્પ્યુટર અને સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસ સહિત શિક્ષણકાર્ય માટે જરૂરી તમામ માળખાગત સવલતો ઉપલબ્ધ થઈ છે.

શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરાવવામાં આવે છે. ગણિત-વિજ્ઞાન જેવા વિષયોનું લેબમાં પ્રયોગો સાથે શિક્ષણ આપવામાં આવે છે. સેટરડે ઈસ બેટર ડે અંતર્ગત વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ સામાજિક સહિતનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે જુદી-જુદી સરકારી કચેરીઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે. આમ  વિદ્યાર્થીઓ જ્ઞાનવાનની સાથે સંસ્કારવાન બને તે માટે પ્રયાસો કરવામાં આવે છે.  આ ઉપરાંત વિદ્યાર્થીઓને શીખવ્યા બાદ તેનું ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.

આ શાળાને કેન્દ્ર – રાજ્ય સરકારના અનુદાન ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને ગામના દાતાઓના સહયોગથી રંગબેરંગી પેઈન્ટિંગથી આકર્ષક બનાવવામાં આવી છે અને અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.       હાલ શાળામાં ધોરણ ૧ થી ૮માં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આચાર્ય સહિત ૧૨ શિક્ષકો નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આ શાળામાં નવાગામ ઉપરાંત બિલખા, ભલગામ, અવતડીયા, થુંબાડા, રામનાથ (વડલો), વાજડી માંડણપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.