“જય જય નળ જળ ભૂમિ” ગીતઃ પ્રવાસીઓને સરોવર જોવા પ્રેરશે

અમદાવાદઃ નળ કાંઠાની ધરતીને બિરદાવતું “જય જય નળ જળ ભૂમિ…” ગીત પ્રવાસીઓને નળ સરોવરની મુલાકાત લેવા પ્રેરશે એમાં કોઈ બેમત નથી. માનવ સેવા ટ્રસ્ટ- સાણંદ દ્વારા હાલમાં જ નળ સરોવરની અસ્મિતા અને વિશાળતાને ગીતે મઢી ગુજરાતની જનતા સામે મૂકવામાં આવ્યું છે. આ ગીત થકી નળ કાંઠાનું કામણ પૂરા રાજ્યમાં વિસ્તરે છે. આજના ડિજિટલ યુગમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા જે પ્રચાર થાય છે તે અદભુત છે.આ ગીત નળ સરોવરની લાક્ષણિકતાને સાચા અર્થમાં ઉજાગર કરતું ગીત છે.

ગીર, સાપુતારા અને કચ્છ જેવા પ્રવાસન સ્થળ પર અનેક ગીત અને જાહેરાત બની, પણ નળ સરોવર પર ગીત પહેલી વાર બન્યું છે. સાણંદ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ અને સાણંદ પ્રાંતનાં તમન્ના ઝલોડિયા દ્વારા આ ગીતને રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે લેખક કિન્તુ ગઢવી કહે છે કે નળ સરોવર પર NGOને લગતી ડોક્યુમેન્ટરી ઘણી કરી. છાપામાં અનેક વિષયો પર આર્ટિકલ પણ લખ્યા, નળ સરોવરના પક્ષીઓનો શિકાર ના થાય અને તેના માટે પ્રવાસીઓ અને સ્થાનિકો જાગ્રત થાય. આ માટે એક ગીતના માધ્યમથી આખી વાત કરી છે.

નળ સરોવરની આસપાસનાં ગામડાંઓમાં વસતા પરિવારોને ગળે ઊતરે એવી રીતે પક્ષી સંવર્ધનની વાત આ ગીતમાં કરી છે. આ ગીતમાં ટીમ-વર્ક સાથે અપ્પુભાઈ (એડવિન વાઝ)નું કોમ્પોઝિશન, પાર્થ ચૌહાણની કરામાતી સિનેમેટોગ્રાફી, નિધિ બારોટ અને દીપકભાઈના સુંદર અવાજ સાથેનું આખું સર્જન સૌને ગમ્યું. એ વિસ્તારના પઢારોએ પણ સુંદર સહકાર આપ્યો. વન વિભાગે તો અમારી પડખે ઊભા રહીને આ કામ સરળ બનાવ્યું. થેંકયુ નળ જળ ભૂમિ.”

આ ગીત જોવા માટે નીચે આપેલી લિન્કમાં જાઓ….