સુરતની એક ‘ઘરકામવાળી’એ ખરીદ્યો રૂ. 60 લાખનો ફ્લેટ

સુરતઃ દેશમાં ઘર ખરીદવું એ કોઈ મોટા સપનાથી ઓછું નથી. મોંઘી મિલકતની કિંમતો, લાંબા EMI અને ઈન્ટિરિયરનો ખર્ચ – આ બધું મળીને ઘર લેવાનું વધુ મુશ્કેલ બનાવી દે છે. એવા સમયમાં જ્યારે એક કન્ટેન્ટ ક્રિયેટર (સામગ્રી સર્જક)ની ઘર કામવાળી બહેને માત્ર રૂ. 10 લાખના લોનથી સુરતમાં રૂ. 60 લાખનો 3 BHK ફ્લેટ ખરીદ્યો, ત્યારે સોશિયલ મિડિયામાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.

કન્ટેન્ટ ક્રિયેટર નલિની ઉંગારે સોશિયલ મિડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે એક સવારે તેમની હાઉસ હેલ્પ ખૂબ ખુશીથી ચમકતી આવી અને કહેવા લાગી કે તેણે સુરતમાં રૂ. 60 લાખનો ફ્લેટ ખરીદ્યો છે. એ સાથે જ તેણે રૂ. 4 લાખ ફર્નિચર પર ખર્ચ્યા અને માત્ર રૂ. 10 લાખનું લોન લીધી હતી. નલિનીએ કહ્યું હતું કે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ છું.

એ પછી જાણવા મળ્યું હતું કે આ તેની પહેલી સંપત્તિ નહોતી. તે મહિલાની પાસે પહેલાથી જ વેલંજા ગામ (ગુજરાત)માં બે માળનું ઘર અને એક દુકાન છે, જે ભાડે અપાયેલાં છે. નલિનીએ કહ્યું હતું કે આ સાંભળીને તે હક્કાબક્કા રહી ગઈ છે – એવી જ પ્રતિક્રિયા ઓનલાઈન યુઝર્સની પણ હતી.

ઇન્ટરનેટ પરની પ્રતિક્રિયાઓ

સોશિયલ મિડિયા પર લોકોએ તેની આર્થિક સમજદારી અને બચત કરવાની દૃષ્ટિની પ્રશંસા કરી. નલિનીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ જાદુ કે ભાગ્યનો ખેલ નથી, પરંતુ સમજદારીપૂર્વક બચત કરવી અને બિનજરૂરી ખર્ચથી બચવાનું પરિણામ છે. તેણે કહ્યું કે સમાજમાં ઘણી વાર એવી માન્યતા હોય છે કે ઘરકામદારો ગરીબ હોય છે, પરંતુ ઘણા લોકો પૈસા સાચવીને અને બચત કરીને જીવનમાં મોટા નિર્ણયો લે છે.

કેટલાંક યુઝર્સે પોતાના અનુભવો પણ શેર કર્યા — જેમ કે તેમના વિસ્તારમાં ચા સ્ટોલ ધરાવતો માણસ બે બંગલાનો માલિક છે અને તેનાં બાળકો વિદેશમાં ભણે છે, પરંતુ તે આજે પણ ખૂબ સાદગીથી જીવન જીવે છે. આ વાતથી સંદેશ એ છે કે મોટી મિલકત અને આરામદાયક જીવન માટે દેખાવ જરૂરી નથી. સતત બચત, યોગ્ય રોકાણ અને ધીરજથી કોઈ પણ વ્યક્તિ પોતાના આર્થિક લક્ષ્યો હાંસલ કરી શકે છે.