વિપક્ષ દ્વારા વિધાનસભા સત્ર બોલાવવાની માગ સંસદીય પ્રણાલી મુજબ ગેરવાજબી

ગાંધીનગર– રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાસે જનસમર્થન રહ્યું નથી એટલે હવાતિયા મારીને બેબાકળા બની નિવેદનો કરી રહી છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુખ્‍યપ્રધાન વિજયભાઈ રૂપાણીને ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવવા માટે જે પત્ર પાઠવી જે માગણી કરાઇ છે તે સંસદીય પ્રણાલી મુજબ ગેરવાજબી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સંપન્‍ન થયું છે. જેને માત્ર બે માસ જેટલો સમય થયો છે એટલે વિધાનસભાનું સત્ર બોલાવવાની આવશ્‍યકતા જણાતી નથી.

  • બે મહિના પહેલાં જ ૫૦ દિવસનું વિધાનસભા સત્ર સંપન્ન થયું છે : રાજ્ય સરકારે કોંગ્રેસના તમામ મુદ્દાઓના સચોટ જવાબ આપ્યા છે, એટલે વિપક્ષની સત્ર બોલાવવાની માંગણી ગેરવાજબી છે.
  • ચૂંટણીઓ પૂર્ણ થતાં જનહિતના અનેક નિર્ણયોકાર્યક્રમો દ્વારા સરકારની વધતી જતી લોકપ્રિયતાથી કોંગ્રેસ બેબાકળી બનીને સત્ર બોલાવવાની વાત કરી રહી છે.
  • વિધાનસભાના ગત સત્ર દરમિયાન માત્ર ગુંડાગીરી, મારામારી અને માઇક તોડી નાખવા જેવા કૃત્યો દ્વારા ગૃહ ચાલવા ન દેવું, લોકસભા પણ ચાલવા ન દેવી, કોંગ્રેસને માત્ર વર્ગવિગ્રહ, અરાજકતા, અશાંતિ અને અફવાઓમાં જ રસ છે.
  • વિપક્ષના નેતા દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓ જૂના છે, જેના સવિસ્‍તાર જવાબો રાજ્ય સરકારે આ અગાઉ પણ ગૃહમાં આપ્‍યા જ છે.
  • સત્ર બોલાવવાની માંગણી એ તેમની મીડિયામાં રહેવાની માનસિકતા છતી કરે છે.
  • રાજ્ય સરકારની જનહિતકારી નીતિ અને નિર્ણયોના પરિણામે છેલ્‍લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે.

જાડેજાએ વધુમાં કહ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા પત્રમાં જે મુદ્દાઓ ઉપસ્‍થિત કર્યા છે તે છેલ્‍લા બે માસમાં ઉભા થયેલા નથી. સત્ર પહેલાંના જ આ મુદ્દાઓ છે. જો તેઓની ઇચ્‍છા હોત તો તે બજેટસત્રમાં આ મુદ્દાઓની હકારાત્‍મક ચર્ચા કરી શકયા હોત. ગૃહમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોંગ્રેસે સતત ગાળાગાળી, મારામારી અને હંગામા કરીને લોકશાહીને કલંક લગાડે એવા કૃત્યો કર્યા છે જે ગુજરાતની જનતાએ ટીવીના માધ્યમથી જોયા પણ છે. કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કે સમાધાનમાં રસ જ નથી. કોંગ્રેસને માત્ર વર્ગ-વિગ્રહ અને અરાજકતા ફેલાવવામાં જ રસ છે. કોંગ્રેસને કયારેય પ્રજાની વચ્ચે જવું નથી, પરંતુ મીડિયામાં રહેવા માટે જે તે સમયે તોફાનો કરીને, માઇકો તોડીને ધારાસભ્‍ય પર હુમલા કરવાનું હીન કૃત્‍ય કરે છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ આજે રાજકીય રોટલા શેકવા નીકળી છે. તેમને માત્ર રાજકીય લાભ જ ખાટવો છે. પ્રજાકીય પ્રશ્‍નોને વાચા આપવાનું તો બહાનું છે. લોકસભામાં પણ સતત તોફાનો કરીને, સંસદને ઠપ કરીને કોંગ્રેસે લોકશાહીને શરમાવે તેવાં કૃત્યો કરીને પ્રજાના કરોડો રૂપિયા બરબાદ કર્યા હતા. હવે કોંગ્રેસ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કયા મોઢે કરે છે?

વિપક્ષને પ્રજાકીય પ્રશ્‍નો રજૂ કરવાનો ચોક્કસ અધિકાર છે અને તેના જવાબો આપવા એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે અને તે માટે રાજ્ય સરકાર બંધાયેલી છે. પરંતુ ગૃહમાં હકારાત્‍મક વાત કરવાને બદલે તેઓ રાજકીય લાભ ખાટવા લાગ્‍યા છે ત્‍યારે કયા મોઢે વિપક્ષના નેતાશ્રી સત્ર બોલાવવાની વાત કરે છે ? જયારે સમય હતો ત્‍યારે કેમ ચર્ચા ન કરી ?

જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની દીર્ધદ્રષ્‍ટિ અને હકારાત્‍મક નીતિ-નિર્ણયોને કારણે સતત ૧૮ વર્ષથી જનસમર્થન મળી રહ્યું છે તે જ દર્શાવે છે કે પ્રજાનું હિત જ અમારા હૈયે છે. મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીની દીર્ઘદ્રષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે. તે કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે એટલે લોકોને ગુમરાહ કરવા રોજ નવા નવા નિવેદનો કોંગ્રેસના સભ્‍યો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને પ્રજા સાંખી નહીં લે. વિપક્ષના નેતા દ્વારા જે મુદ્દાઓ રજૂ કરાયા છે તે તમામ મુદ્દાઓના જડબાતોડ જવાબો તે જે સમયે રાજ્ય સરકારે આપ્‍યા છે. આજે જે વાત લઇને વિપક્ષના નેતા નીકળ્યા છે તે માત્ર ને માત્ર મીડિયામાં રહેવાનો પ્રયાસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]