કચ્છ, આસપાસના વિસ્તારમાં 4.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો

અમદાવાદઃ કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજના આંચકાની તીવ્રતા 4.1ની નોંધાઈ છે. કચ્છ, અંજાર ભૂજ અને ભચાઉની આસપાસના વિસ્તારોમાં આ આંચકો બપોરે 2.09 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈ નજીક આઠ કિલોમીટર દૂર નોંધાયું છે. આ ધરતીમાં ધ્રૂજારી થતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોકે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા.

આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001 ના વર્ષના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. જો આંચકો થોડો વધુ સમય લાંબો ચાલ્યો હોત તો ભારે ખાનાખરાબી થઈ જાત.

ભૂકંપ પર કચ્છમાં થયેલું મહત્વનું સંશોધન 

  • ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા આંચકા આવતા રહે છે.
  • કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનું જોખમ છે.
  • કચ્છમાં એક મોટો ભૂકંપ ગમેત્યારે આવી શકે છે તેમ સંશોધકો કહે છે.
  • ભૂસ્તરશાસ્ત્રીઓને મત કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીનની ઊર્જા વધી રહી છે. જેથી ગમે ત્યારે મોટો ભૂકંપ આવશે.
  • લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
  • કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનના કિનારે હોવાથી ત્યાં નુકસાન વધુ થવાનો અંદાજ છે.