રાજકોટમાં ત્રણ દિવસમાં 76 દર્દીના કોરોનાથી મોત થતાં લોકોમાં ફફડાટ

રાજકોટઃ શહેરમાં કોરોના રોગચાળો વકર્યો છે એમ કહી શકાય, કેમ કે કોરોનાને કારણે મોતની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 181 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં છે, પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે.

મોતની સંખ્યા દોઢ ગણી

ગઈ કાલે શહેરમાં  મોતની સંખ્યા દોઢ ગણી થઈ ગઈ હતી, છેલ્લા 24 કલાકમાં 32નાં મોત થયાં હતાં. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સરેરાશ 20 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. એક મહિના પહેલાં દર ચાર કલાકે એકનું મોત થતું હતું. હવે છેલ્લા પાંચ દિવસમાં રોજ એક કલાકે એક દર્દીનું કોરોનાને કારણે મોત થઈ રહ્યું છે.

 જયંતિ રવિ અધિકારીઓને ઠમઠોર્યા

અગ્ર સચિવ જયંતિ રવિએ હોસ્પિટલમાં 108ના સ્ટાફને જોઈને અધિકારીઓને ખખડાવ્યા હતા.. રાજકોટમાં આવ્યા બાદ જયંતિ રવિએ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કોરોના કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં 76નાં મોત

1 સપ્ટેમ્બર- 17નાં મોત
2 સપ્ટેમ્બર- 32નાં મોત
3 સપ્ટેમ્બર-27નાં મોત

 

એકસાથે 32 લોકોના મોત

ગઈ કાલે રાજકોટમાં એકસાથે 32 લોકોના મોત થતાં આરોગ્ય સચિવની હાજરીમાં હોસ્પિટલમાં મૃતદેહોની કતાર લાગી હતી. આ મૃતદેહો અંતિમક્રિયા માટે લઈ જવાતાં પહેલાં કેટલાક મૃતદેહો 12 કલાક સુધી પડ્યા રહ્યા હતા. સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયા માટે લાઇન હતી.

જયંતિ રવિના આદેશ બાદ તંત્ર દોડતું થયું

રાજકોટમાં ખાનગી કોરોના હોસ્પિટલો દ્વારા બેફામ ચાર્જ વસૂલાતો હોવાની અને હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાની વ્યાપક ફરિયાદો થતાં આરોગ્ય સચિવ જયંતિ રવિના આદેશ બાદ કલેક્ટર તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કલેક્ટર કચેરીમાં કોરોના કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં ફોન કરવાથી લોકોને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને સારવાર, ખર્ચ સહિતની તમામ માહિતી આપવામાં આવશે. કંટ્રોલ રૂમમાં 24 કલાક માટે 18 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

છ-છ વ્યક્તિની ટીમ રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલ રૂમમાં ફરજ બજાવશે

ત્રણ પાળીમાં છ-છ વ્યક્તિની ટીમ રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલ રૂમમાં ફરજ બજાવશે અને દર કલાકે શહેરની 16 ખાનગી અને 3 સરકારી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેનું અપડેટ જાહેર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કઈ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઈચ્છે છે તેની સચોટ માહિતી આપવામાં આવશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]