ગાંધીનગરઃ છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં લૂંટ, હત્યા, ચોરી, અપહરણ, આત્મહત્યા, તોફાન, અકસ્માતો અને હત્યાના પ્રયાસના એક લાખથી વધુ ગુનાઇત કેસો નોંધવામાં આવ્યા, એમ રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. પ્રશ્નકાળ દરમ્યાન કોંગ્રેસ વિધાનસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 2020 અને 2021માં સૌથી વધુ કેસો અકુદરતી મોતો (40,492), આકસ્મિક મોતો (25,334) થઈ હતી.
રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 15,146 લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 1893 લોકોની હત્યા થઈ હતી અને 3911 અપહરણના કેસો નોંધાયા હતા. આનો અર્થ એ થયો હતો કે છેલ્લાં બે વર્ષમાં પ્રતિદિન સરેરાશ 20 આત્મહત્યા, 25 ચોરીઓ, પાંચ અપહરણ અને બે હત્યાઓ થઈ હતી. આ ઉપરાંત 2619 લોકોની વિવિધ કેસોની ધરપકડ થઈ હતી.કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે વિવિધ કારણોસર લોકો તેમના જીવનનો અંત આણી રહ્યા છે અને નીંભર સરકાર આવા કેસોને આકસ્મિક મોતો ગણાવી રહી છે. આ સંખ્યા ચિંતાજનક છે અને સતત વધી રહ્યો છે. આ સરકારની નિષ્ફળતા અને ગેરવહીવટનો બોલતો પુરાવો છે. સરકારે રાજ્યમાં ગુનાખોરી ઘટાડવા માટે નક્કર આયોજન કરવાની તાતી જરૂર છે.
રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં સરેરાશ દૈનિક પાંચ બળાત્કાર અને 61 ગેન્ગ રેપ થયા છે. રાજ્યમાં 3796 બળાત્કારના કેસો નોંધાયા છે. આમાં પણ 200 બળાત્કારના કેસમાં આરોપીની ધરપકડ કરવાની બાકી છે. એમાં પણ અમદાવાદ બળાત્કારરના મામલે ટોચ પર છે.