દેશ માટેનું ઘરેણું છે, રક્ષાશક્તિ યુનિવર્સિટીઃ PM

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમણે યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે મારા માટે આજે આનંદનો પ્રસંગ છે. રક્ષા ક્ષેત્રે જે યુવાનો કેરિયર બનાવવા માગે છે, તેમને એ માટે અહીં તક છે. રક્ષાશક્તિ યુનિવર્સિટી એ દેશનું ઘરેણું છે. મારા માટે આ યાદગાર દિવસ છે. આ યુનિવર્સિટીની રચના મોટી કલ્પના સાથે કરવામાં આવી હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ઘણા તજ્જ્ઞો સાથે વિચારવિમર્શ કર્યો હતો.

દહેગામના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. તેમને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગૃહપ્રધાન અમિત શાહે આવકાર્યા છે. આ સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના દ્વારા યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે.

આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. દેશનાં 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38ને ગોલ્ડ મેડલ એનાયત થશે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ આપવામાં આવે છે. લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી.

જોકે આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત દબદબાભેર કરી હતી. ખુલ્લી જીપમાં સવાર થઈને તેમની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વડા પ્રધાનના ચિલોડાથી દહેગામ સુધી યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોચ્યા હતા. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા.

વડા પ્રધાન રાજ્યના અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં તેઓ ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવાના છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઇટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.