UPમાં કોંગ્રેસના 97-ટકા, BSPના 72-ટકા ઉમેદવારોની જમાનત જપ્ત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત હાંસલ થઈ છે. પાર્ટી અને એના સહયોગીઓને 255 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ અને બસપાનો દેખાવ ઘણો ખરાબ રહ્યો છે. કોંગ્રેસે 399 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 387 બેઠકો પરના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ માત્ર બે બેઠક જીતી શકી છે. કોંગ્રેસને 2.4 ટકા મતો મળ્યા છે. જ્યારે બસપાએ બધી 403 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને 290 બેઠકો પર એના ઉમેદવારો જમાનત બચાવી નથી શક્યા. જ્યારે ભાજપના ત્રણ ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી. પાર્ટી 376 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ સિવાય સપાના 347માંથી છ ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી.

રસપ્રદ વાત એ છે કે ભાજપના સહયોગી પક્ષોના એક પણ ઉમેદવારની જમાનત જપ્ત નહોતી થઈ.  ભાજપની સહયોગી પક્ષ અપના પક્ષ અને નિષાદ પાર્ટીએ 27 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પણ એના એક પણ ઉમેદવારની જમાનત જપ્ત નહોતી થઈ. આ ઉમેદવારો હરીફ ઉમેદવારને સારીએવી ટક્કર આપી હતી.

આ સાથે અપના પક્ષે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી, પણ એના આઠ ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી. જોકોઈ ઉમેદવાર કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં કુલ કાયદેસર મતોના 1/6 હિસ્સો મતો હાંસલ કરવામાં અસફળ રહે તો એની જમાનત જપ્ત થાય છે. યુપીમાં 4442 ઉમેદવારોમાંથી 3522 એટલે કે 80 ટકા ઉમેદવારોની જમાનત રકમ જપ્ત થઈ હતી.