બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઢુંવા રોડ પર આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં આજે વહેલી સવારે થયેલા ભયાનક વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગના કારણે 18 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ફેક્ટરીનું ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોનાં શરીરના ભાગો દૂર-દૂર સુધી ફેંકાઈ ગયા. ઘટના બાદ મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, સવારના સમયે ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ફેલાઈ અને વિકરાળ બની ગઈ. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે શ્રમિકોના અંગો આજુબાજુના વિસ્તારોમાં વિખરાઈ ગયા. ફેક્ટરીનો કાટમાળ 200 મીટર સુધી ફેલાયો હતો, જેને દૂર કરવા માટે JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન ગોડાઉન સંપૂર્ણપણે નાશ પામ્યું. ઈજાગ્રસ્ત પાંચ શ્રમિકોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા તમામ શ્રમિકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું મનાય છે. આ શ્રમિકો તાજેતરમાં જ રોજગારીની શોધમાં અહીં આવ્યા હતા અને મજૂરીનું કામ કરતા હતા. મૃતકોની ઓળખ માટે સત્તાવાળાઓએ કાર્યવાહી શરૂ કરી છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ઘટના અંગે જણાવ્યું કે, “આજે સવારે ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં મોટા વિસ્ફોટની જાણ થઈ. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર નિયંਤ્રણ મેળવ્યું. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીનો સ્લેબ પડી ગયો.” આ ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગોડાઉનને માત્ર ફટાકડા સ્ટોર કરવાની મંજૂરી હતી, પરંતુ ત્યાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ બેદરકારીને કારણે નિર્દોષ શ્રમિકોના જીવ ગયા હોવાનું મનાય છે. હવે આ મામલે સંપૂર્ણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે કે આવી ઘટના પાછળ કોની બેજવાબદારી જવાબદાર છે.
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2025
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું
