રાજ્યમાં 1000 ઢોરોનાં મોતઃ CMએ બેઠક બોલાવી

અમદાવાદઃ રાજ્યમાં લમ્પી ત્વચા રોગને કારણે કુલ 1000 ઢોરોનાં મોત થયાં છે, જેમાં મોટા ભાગની ગાય અને ભેંસ છે, એમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે 14 જિલ્લાઓમાં પશુઓમાં ફેલાયેલી આ બીમારી માલૂમ પડી હતી અને અત્યાર સુધી 37,000થી વધુ સંક્રમિત પશુઓની સારવાર કરવામાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ બીમારીને ફેલાતી અટકાવવા માટે 2.68 લાખ પશુઓને રસી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ લમ્પી વાયરસનો કહેર ફેલાયો છે. જેથી પશુઓનાં મોત થઈ રહ્યાં છે. કેટલાંક ગામડાઓમાં પશુઓના લાશના ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતી કાલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

રાજ્યના 14 જિલ્લાઓ- કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, બનાસકાંઠા અને સુરતમાં પશુઓમાં લમ્પી રોગ ફેલાયો હોવાના કેસ મળ્યા છે. રાજ્યના 880 ગામોમાં આ બીમારીના કેસ મળી આવ્યા છે અને 37,121 પશુઓની સારવાર કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.