શિક્ષણ સંસ્થાઓમાં થતા શોષણ મુદ્દે મહિલા કોંગ્રેસની રજૂઆત

અમદાવાદ: ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થિનીઓના શોષણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે કહ્યું કે “રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષિણક સંસ્થામાં દીકરીઓ ઉપર તેમની મજબુરીનો લાભ ઉઠાવવામાં આવ્યો. આ પ્રકારની સંસ્થાઓમાં રાજકીય પદાધિકારીઓ દ્વારા સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દીકરીઓનું શોષણ કરે છે. આવા બનાવો અનેક સંકુલોમાં બનતા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. આવી દીકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂં જવાનાં ડરથી પોતાના ચારિત્ર્ય પર લાગેલો ડાગ છુપાવવાનાં પ્રયાસ કરે છે. ”કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે વધુમાં જણાવ્યું, “મજબૂત માનસ ધરાવતી દીકરી પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યેજ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરપે કોઇના કોઇ રીતે દબાવવા માટેનો પ્રયાસ થાય છે. ‘બેટી બચાવ’ માટે નારા લગાવતી સરકારમાં આ ખુબજ ચિંતાનો વિષય બનતો જાય છે. ડ્રગ્સ, દારૂ, અસામાજીક પ્રવૃત્તિ, અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓની અસલામતી તે આપણી સંસ્કૃતિની વિરૂદ્ધનું કૃત્ય છે. સરકારની આ મુદ્દે કેમ આંખ ઉઘડતી નથી તે એક મોટો પ્રશ્ન છે?”