સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા. સુરતની ખાનગી હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. રમેશભાઈ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના લોકો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની અંતિમયાત્રા આજે સાંજે તેમના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.છેલ્લા બે-ત્રણ દિવસથી રમેશભાઈની તબિયત વધુ લથડતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી શુક્રવારે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા. જો કે આજે રમેશચંદ્ર સંઘવીના નિધનથી હર્ષભાઈ સહિત સમગ્ર સંઘવી પરિવારમાં શોકની લાગણી ફેલાય ગઈ છે.
