ગાંધીનગર: રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી.અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓના વડાઓને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. પાટનગરમા ઊર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.