12 જુન, 2025નો દિવસ ઈતિહાસમાં ક્યારે નહીં ભૂલાઈ. અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171નો અકસ્માત અને તેમાં સવાર લોકોના મોતથી સ્ત્બ્ધ સમગ્ર દેશ. વિમાન ક્રેશની આ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યા છે.
અમદાવાદમાં ઘટેલી વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. તેઓ આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. વિજય રૂપાણી તેમના પત્ની અને દીકરીને મળવા જઈ રહ્યાં હતાં. સપનેય વિચાર નહીં હોય કે પરિવારને મળવા જવાની ખુશી અચાનક મોતમાં પરિણમશે. વિજય રૂપાણના અંગત જીવન અને રાજકીય સફર પર એક નજર કરીએ.
મ્યાનમારમાં જૈન પરિવારમાં થયો જન્મ
2 ઓગસ્ટ 1956 ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં માયાબેન અને રમણીકલાલ રૂપાણીના ઘરે દીકરાના જન્મ થયો અને નામ પાડ્યું વિજય. વિજય રૂપાણી 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. 1960 માં મ્યાનમારમાં રાજકીય ઉથલપાથલને કારણે તેમનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયો. વિજય રૂપાણીએ ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભાજપની મહિલા પાંખની સભ્ય અંજલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જે એન્જિનિયર છે અને એક પુત્રી છે, જે પરિણીત છે. તેમના બીજા પુત્રનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
વિજય રૂપાણીની રાજકીય સફર
વિજય રૂપાણી 2016થી 2021 દરમિયાન ગુજરાતના 16માં મુખ્યમંત્રી બન્યા અને રાજ્યની કમાન સંભાળી. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય હતા. આ ઉપરાંત, તેઓ ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
વિજય રૂપાણીના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ વિદ્યાર્થીકાળથી જ આ તરફ વળ્યા હતાં. રાજકોટમાં આવ્યા બાદ વિજય રૂપાણી અભ્યાસ દરમિયાન ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીમાં જોડાયા હતા. તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી તેઓ પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા હતાં. પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે પણ જોડાયા. 1971માં તેઓ સંઘ સાથે સક્રિય હતાં. ભાજપની રચના થઈ ત્યારથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.
1976ની કટોકટી દરમિયાન તેઓ ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગરમાં 11 મહિના બંદી રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ રાજકોટના મેયર હતા. 1998માં તેમને ભાજપના ગુજરાત એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. 2006માં તેઓ ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ બન્યા હતા. 2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 2013માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ હતા.
2014માં તેઓ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. 2014 આનંદીબેન પટેલની સરકાર દરમિયાન તેમને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2016માં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા. 7 ઓગસ્ટ 2016ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2017માં ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી હતી અને રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા
રૂપાણીના પત્ની અંજલી રૂપાણી લંડનમાં છે અને એવું માનવામાં આવે છે કે પૂર્વ મુખ્યમંત્રી તેમને લેવા માટે લંડન જઈ રહ્યા હતાં. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તેમનો ગુજરાત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમ હતો. ત્યાંથી પાછા ફર્યા પછી જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ટીવી ચાલુ કર્યું. આ દરમિયાન તેમને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્યા. તેઓ ચિંતિત થઈ ગયા કારણ કે તેમને ખબર હતી કે રૂપાણી આ ફ્લાઇટ દ્વારા લંડન જવાના છે. જોકે, તેમને ખબર નહોતી કે તેઓ આ ફ્લાઇટમાં છે. તેમણે તરત જ ટીવી બંધ કરી દીધું અને ગાંધીનગર સ્થિત તેમના ઘરે પહોંચી ગયા. રૂપાણીનો સીટ નંબર 2D હોવાનું કહેવાય છે.
