શિક્ષક દિને મુખ્યમંત્રીએ ગુરુજનો પ્રત્યે વ્યક્ત કર્યો આદર : શિક્ષક કલ્યાણ નિધિમાં આપ્યું સ્વૈચ્છિક યોગદાન

ગાંધીનગર: પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં ગુરુજનોના અમૂલ્ય યોગદાનનો સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કર્યો છે. મુખ્યમંત્રીએ શિક્ષકોના આદર સન્માન અને કલ્યાણની પરંપરાને જાળવી રાખીને ગુરુજનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ

શિક્ષક કલ્યાણ નિધિ માટે સ્વૈચ્છિક ફાળો એકત્રિત કરવા ગાંધીનગરની વિવિધ શાળાઓના બાળકો શિક્ષક દિને સવારે મુખ્યમંત્રીના નિવસ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ નિધિમાં પોતાનું યોગદાન આપવાની સાથે નાના બાળકો સાથે અત્યંત પ્રેમપૂર્વક અને સહજ સંવાદ સાધ્યો હતો, જેનાથી બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિક્ષક દિનનું મહત્વ અને પરંપરા

આજીવન શિક્ષક, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પ્રસંગે દર વર્ષે 5 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. બાળકના વ્યક્તિગત ઘડતરથી લઈને સક્ષમ સમાજના નિર્માણમાં શિક્ષકોનો રોલ અનન્ય છે. આ દિવસે શિક્ષકોના કલ્યાણ અને સહાય અર્થે શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો આપવાની વિશેષ પરંપરા રહી છે.

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી નિવાસ્થાને આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ, અન્ય વહીવટી અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.