નવરાત્રિમાં ગરબા પંડાલોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ

મુંબઈઃ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા અને દાંડિયા કાર્યક્રમોને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સંગઠને આયોજકોને કાર્યક્રમોમાં સામેલ થનારા લોકોની ઓળખ તપાસવા માટે જણાવ્યું છે. અહેવાલો અનુસાર VHPએ મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોને સામેલ ન થવા દેવાનો નિર્ણય લીધો છે. VHPના જણાવ્યાનુસાર આ નિયમોનો હેતુ કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિને રોકવાનો અને નવરાત્રિના ધાર્મિક સ્વરૂપને જાળવી રાખવાનો છે.

VHPની નવી માર્ગદર્શિકા

અહેવાલ મુજબ VHPએ કહ્યું છે કે આ કાર્યક્રમોમાં કોણ સામેલ થઈ રહ્યું છે, તેને લઈને આયોજકોએ સતર્ક રહેવું જોઈએ. VHPએ નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા અને દાંડિયા કાર્યક્રમોના આયોજકો માટે કેટલાંક સૂચનો આપ્યાં છે. VHPએ ગરબા અને દાંડિયા આયોજકોને કાર્યક્રમમાં આવતા લોકોના આધાર કાર્ડની તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઓળખની તપાસ દરમિયાન લોકોના કપાળ પર તિલક લગાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેનો હેતુ આયોજકો એ સુનિશ્ચિત કરી શકે કે કાર્યક્રમમાં માત્ર હિન્દુઓ જ સામેલ થાય તેવો છે.

આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંયુક્ત સચિવ શ્રીરાજ નાયરે જણાવ્યું છે કે સંગઠને આ કાર્યક્રમોમાં મુસ્લિમ સમુદાયના લોકોને સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે. નાયરે કહ્યું હતું કે નવરાત્રિનો તહેવાર માત્ર ગીત અને નૃત્ય પૂરતો નથી. આ દેવીની પૂજાને સમર્પિત તહેવાર છે, જે મુસ્લિમો મૂર્તિપૂજામાં વિશ્વાસ રાખતા નથી, તેમણે તેમાં શા માટે ભાગ લેવો જોઈએ? VHPએ કહ્યું છે કે ગરબા અને દાંડિયા કાર્યક્રમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયનો હેતુ કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો નથી.

આયોજકોને સાવચેતી રાખવાની સલાહ

સંગઠનના જણાવ્યાનુસાર આ કાર્યક્રમોના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. VHPનું કહેવું છે કે હિન્દુ તહેવારોનું સમુદાયની પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસામાં વિશેષ સ્થાન છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને આયોજકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. નાયરે કહ્યું કે જો મુસ્લિમ સમુદાયના લોકો નવરાત્રિ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સામેલ થવા માગતા હો, તો તેઓ પોતાના પરિવાર સાથે ઘરે અથવા પૂજા સ્થળે નવરાત્રિની ઉજવણી કરી શકે છે.