અમદાવાદ એરપોર્ટ-વડોદરા દોડશે GSRTC, જાણો ટાઈમ ટેબલ

વિદેશી મહેમાનો માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. અવર નવર ફ્લાયટ મુસાફરી કરનારો લોકોને એક શહેરથી બીજા શહેર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે GSRTCએ વડોદરાની મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પહોંચવા માટે માર્ગ સરળ બનાવી આપ્યો છે.

GSRTCએ અમદાવાદ એરપોર્ટથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. દરરોજ ચાર વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. આ બસ સેવા શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે. આ અગાઉ પણ GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી બસ સેવા શરૂ કરી હતી.

ત્યારે હવે અમદાવાદ એરપોર્ટથી વડોદરાની GSRTC બસની સેવા શરૂ કરવામાં આવી છે જે અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે 3:15 કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

આ વોલ્વો બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે. મુસાફરોએ જીએસઆરટીસીની વેબસાઈટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઈન બુક કરાવી શકશે.