નવી દિલ્હીઃ સરકારે દેશમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ ઈલાજ યોજનાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર આ યોજના (માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના, 2025) અંતર્ગત પીડિતને અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈ પણ હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારનો અધિકાર મળશે.
કોને મળશે કેશલેસ ઇલાજ?
આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માર્ગ પર મોટર વાહનના ઉપયોગથી થતી માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ આ યોજનાની જોગવાઈઓ અનુસાર કેશલેસ સારવારનો હકદાર બનશે. આ યોજના 5 મે, 2025થી અમલમાં આવી ગઈ છે.
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે સરકાર માર્ગ અકસ્માત પીડિતો માટે સુધારેલી યોજ6ના લાવશે. આ યોજનાના અમલ માટે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) પોલીસ, હોસ્પિટલો અને રાજ્ય આરોગ્ય એજન્સી સાથે સહકાર કરશે. મંગળવારે આવેલી સૂચના અનુસાર આ યોજના અંતર્ગત નિમિત્ત હોસ્પિટલ સિવાયના કોઈ પણ હોસ્પિટલમાં સારવાર માત્ર રેફરલ હેતુ માટે જ થઈ શકશે અને તે પણ નક્કી કરાયેલી માર્ગદર્શિકા મુજબ.
સરકાર આ યોજના જનતાને ઘણો લાભ આપશે. જોકે આ યોજના ફક્ત મોટર વાહનથી થનાર અકસ્માતો પર જ લાગુ પડે છે. જો અકસ્માત કોઈ બીજે કારણોસર થયો છે, તો તેનો લાભ પીડિતને નહીં મળે. આ યોજના અનુસાર જો તમારી સારવાર સાત દિવસથી વધુ ચાલે છે તો તેના માટે તમારે તમારો જાતે ખર્ચ કરવો પડશે, એટલે કે અકસ્માતના સાત દિવસની અંદર જે પણ સારવાર થશે, તે કેશલેસ રહેશે.
