ઈરાન યુદ્ધથી પાકિસ્તાનમાં ગેસ, ઊર્જાનું સંકટઃ સરકારે જાહેર પરિવહન કર્યું મફત

ઇસાલામાબાદઃ ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે પાકિસ્તાનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે અધિકારીઓએ જાહેરાત કરી કે ઇસ્લામાબાદ અને દેશના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકારી જાહેર પરિવહન આગામી એક મહિના સુધી મફત રહેશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવોને કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થયા અને પેટ્રોલ પંપ પર મોટરસાઇકલની લાંબી લાઇનો જોવા મળી. ભારે વિરોધ બાદ પાકિસ્તાન સરકારે તાત્કાલિક યુ-ટર્ન લઈને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 80 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી. હાલમાં પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય જનતાને થોડી રાહત મળવાની શક્યતા છે.

 ભાવમાં ઉછાળો અને સપ્લાયમાં ઘટાડો

યુદ્ધને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ 109 ડોલરથી ઉપર પહોંચી ગયા, જ્યારે યુરોપમાં ગેસના ભાવ પણ ઝડપથી વધ્યા. પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર બની કારણ કે તે પોતાની મોટા ભાગની LNG જરૂરિયાત કતાર અને યુએઈ પાસેથી પૂરી કરે છે.

માર્ચમાં પાકિસ્તાનને માત્ર બે LNG શિપમેન્ટ મળ્યા, જ્યારે સામાન્ય રીતે દર મહિને 8થી 12 શિપમેન્ટ આવે છે. પરિણામે ગેસનો ભાવ ફેબ્રુઆરીમાં $ 10.47 પ્રતિ MMBtuથી વધીને માર્ચમાં $ 12.49 થઈ ગયો છે.

 આયાત પર આધારિત વ્યવસ્થા

પાકિસ્તાન પોતાની ગેસ જરૂરિયાત માટે ત્રણ સ્ત્રોત પર આધારિત છે — સ્થાનિક ઉત્પાદન, આયાતીત LNG અને LPG. સ્થાનિક ગેસ ઉત્પાદન ધીમે-ધીમે ઘટી રહ્યું છે, જ્યારે LNGથી દેશની લગભગ 25 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતી LPGનું 60 ટકાથી વધુ આયાત ઈરાનથી થાય છે, જે હવે અસરગ્રસ્ત છે.

વધતું દેવું અને ખોટી યોજના

ગેસનો વધુ સપ્લાય અને ઓછી માગને કારણે પાકિસ્તાન પર ભારે આર્થિક બોજ પડ્યો. ગેસ ક્ષેત્રનું દેવું વધીને 3.3 ટ્રિલિયન રૂપિયા (લગભગ 11 અબજ ડોલર) થઈ ગયું. સરકારે 2031 સુધી નક્કી કરાયેલા 177 ગેસ શિપમેન્ટ ઘટાડવાના પ્રયાસો કર્યા.

 ઉનાળામાં મુશ્કેલી વધશે

હાલમાં હળવી ઠંડી અને સોલર ઊર્જાના કારણે થોડી રાહત છે, પરંતુ ઉનાળામાં સ્થિતિ ગંભીર બની શકે છે. ગયા વર્ષે વીજળીની માંગ 33,000 મેગાવોટ સુધી પહોંચી હતી. આવનારા સમયમાં રોજ 2-3 કલાક લોડશેડિંગ કરવાની શક્યતા છે.