ગાંધીનગર : 28 જાન્યુઆરીએ 69મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ યોજાશે

ફિલ્મફેર હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ પ્રતિભા અને તકનીકી સિદ્ધિઓનો સૌથી મોટો સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યું છે. દાયકાઓથી, બ્લેક લેડી(ફિલ્મફેર પુરષ્કાર) મનોરંજન ક્ષેત્રમાં સફળતાનું મૂર્ત સ્વરૂપ છે. ત્યારે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે. આ એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023ની શરૂઆતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (A Times Group Company) એ એવોર્ડ સમારોહ માટે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સીમાચિહ્નરૂપ પગલાથી ગુજરાત પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024 પહેલા ફિલ્મમેકર્સ રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું હતું. જેમાં પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓ અને ગુજરાત સરકારના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે

ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડા, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે.