ગેમિંગ એપ વિન્ઝો દ્વારા ચાર વર્ષમાં રૂ. 3522 કરોડની હેરફેરઃ EDની કાર્યવાહી

નવી દિલ્હીઃ EDએ ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ વિન્ઝો (Winzo), તેના ડિરેક્ટરો અને અન્ય સંડોવાયેલા લોકો સામે બેંગલુરુની એક વિશેષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. EDનો આરોપ છે કે ચાર વર્ષથી ઓછા સમયગાળામાં લગભગ રૂ. 3522 કરોડની રકમની હેરફેર કરવામાં આવી છે.

આ ફરિયાદ બેંગલુરુ CEN પોલીસ સ્ટેશન ઉપરાંત રાજસ્થાન, નવી દિલ્હી અને ગુરુગ્રામ પોલીસ દ્વારા નોંધાયેલી FIRને આધારે શરૂ કરાયેલી તપાસ બાદ દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે 18 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે EDએ વિન્ઝોના ઓફિસ, તેના ડિરેક્ટરોનાં ઘર અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી લગભગ રૂ. 690 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

વિન્ઝો શું કામ કરે છે?

વિન્ઝો તેની મોબાઇલ એપ મારફતે રિયલ મની ગેમિંગ (RMG) સેગમેન્ટમાં કાર્ય કરે છે અને 100થી વધુ નંબર આધારિત ગેમ્સ પ્રદાન કરે છે. કંપનીના દાવા મુજબ તેના લગભગ 25 કરોડ યુઝર્સ છે, જેમાંથી મોટા ભાગના ટિયર-3 અને ટિયર-4 શહેરોમાંથી આવે છે. કંપનીની આવક યુઝર્સ દ્વારા લગાવવામાં આવતી બેટિંગ રકમ પર લેવામાં આવતા કમિશનથી થાય છે. વિન્ઝોનો દાવો છે કે તેનો પ્લેટફોર્મ સંપૂર્ણપણે બોટ-મુક્ત, પારદર્શક અને સુરક્ષિત છે.

 પછી ગેરરીતિ ક્યાં થઈ?

EDની તપાસમાં સામે આવ્યું છે કે વિન્ઝોનો બોટ-ફ્રી હોવાનો દાવો ખોટો છે. ગેમ કોડબેઝ, થર્ડ-પાર્ટી ડેવલપર એગ્રીમેન્ટ્સ અને આંતરિક કોમ્યુનિકેશન્સમાંથી ખુલાસો થયો કે ડિસેમ્બર, 2023 સુધી ગેમ્સમાં બોટ્સ, AI અને અલ્ગોરિધમિક પ્રોફાઇલ્સ સામેલ હતા.

તપાસ મુજબ મે, 2024થી ઓગસ્ટ, 2025 વચ્ચે કંપનીએ એક નવો રસ્તો અપનાવ્યો હતો, જેમાં નિષ્ક્રિય (ડોર્મેન્ટ) ખેલાડીઓના જૂના ગેમ ડેટાનો ઉપયોગ કરીને, યુઝર્સની જાણકારી કે સંમતિ વિના, તેમને અસલી ખેલાડીઓ સામે રમાડવામાં આવ્યા. EDનો આરોપ છે કે શરૂઆતમાં યુઝર્સને નાના બોનસ આપી આકર્ષવામાં આવ્યા અને સરળ બોટ્સ સામે જિતાડવામાં આવ્યા. વિશ્વાસમાં લેવા માટે તેમને નાની રકમ ઉપાડવાની પણ મંજૂરી આપવામાં આવી. પરંતુ જેમ જ યુઝર્સે મોટા દાવ સાથે રમવાનું શરૂ કર્યું, તેમ કંપનીએ “વિનિંગ/હાર્ડ બોટ્સ” લગાવ્યાં, જેના કારણે અસલી યુઝર્સને ભારે નાણાકીય નુકસાન થયું.

EDની તપાસ મુજબ, બોટ પ્રોફાઇલ્સને કારણે અસલી યુઝર્સને કુલ રૂ. 734 કરોડનું નુકસાન થયું. એક વધુ મહત્વની વાત એ છે કે હાઈ સ્ટેક્સ પર જીતનારા કેટલાક યુઝર્સને વિવિધ નિયમોના બહાને પૈસા ઉપાડવાથી રોકવામાં આવ્યા હતા.

વધુ ગંભીર ખુલાસા

EDની તપાસમાં આ પણ સામે આવ્યું કે રિયલ મની ગેમિંગ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધ હોવા છતાં વિન્ઝોએ યુઝર્સ દ્વારા કાયદેસર રીતે જીતેલા અને ખાતામાં જમા થયેલા રૂ. 47.66 કરોડ પરત આપ્યા નહોતા.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ EDએ અંદાજ લગાવ્યો છે કે ગયા વર્ષના 22 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2022થી નાણાકીય વર્ષ 2026 વચ્ચે કુલ ₹3,522.05 કરોડની ગુનાહિત આવક જનરેટ કરી છે.