રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી, 10 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન

અમદાવાદ: રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને કારણે દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી નીચે પહોંચી ગયો છે.12મી ડિસેમ્બરે અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 13મી ડિસેમ્બરે સવારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 9.1, વડોદરામાં 10, રાજકોટ 10.6, અમદાવાદ 12.5, અમરેલી 12.2, ભુજ 11.2 લઘુતમ તાપમાન નોંધાયું હતું.